મોતિયો (Cataract)

મોતિયો શું છે?

મોતિયો એ આંખની ઘડપણ સાથે સંકળાયેલ એક સ્થિતિ છે જેમાં આંખના “મણિ” (લેન્સ- LENS) ની પારદર્શકતા ઘટી જાય છે. આવા વાદળછાયા મણિને મોતિયો કહેવામાં આવે છે.

અંહી આપણે ઘડપણ સંબંધિત મોતિયા વિષે ચર્ચા કરીશું. બાળકોમાં થતા મોતિયાને “જ્ન્મજાત મોતિયો” કહેવામાં આવે છે જેના વિષે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું.

મોતિયાના કારણો

મોતિયાના ઘણા કારણો છે, જે પૈકીનું મુખ્ય કારણ “વધતી ઉમંર/ઘડપણ” છે.

સામાન્યતઃ ૬૦ વર્ષથી મોટી ઉમર ના લોકોની આંખના મણિમાં થોડા ફેરફારો જોવા મળે છે જે ધીરેધીરે મોતિયામાં પરિણમે છે. ઘડપણ સિવાયના અન્ય કારણોમાં નીચેનાનો સમાવેશ થાય છે.

 • ડાયાબિટિસ
 • આંખમાં વાગવું
 • સ્ટિરોઇડ જેવી દવાઓ
 • કોઇ અન્ય કારણોને આંખની શસ્ત્રક્રિયા કરાવેલ હોવી
 • આંખની અન્ય બિમારીઓના કારણે

ઉપરના કારણો સિવાય નીચેના કેટલાક પરિબળો પણ આંશિક ભાગ ભજવે છે.

 • તમાકુનું સેવન
 • સૂર્યકિરણોનું વધુ પડતુ પ્રમાણ આંખમાં જવું
 • ખોરાકમાં “એન્ટિ-ઓક્સિડ્ન્ટ” નું પ્રમાણ ઓછુ હોવું

મોતિયાના લક્ષણો

સામાન્ય રીતે મોતિયો ધીરેધીરે વધે છે અને તે બંને આંખમા વધતા-ઓછા પ્રમાણમાં સાથે જ થાય છે.

 • દર્દીને દ્રષ્ટિમાં ઊણપ લાગે છે.
 • ધૂંધળું દેખાવું
 • દૂરની વસ્તુઓ જોવામાં તકલીફ પડવી
 • તેજસ્વી પ્રકાશની આસપાસ કુંડાળા દેખાવા (GLARE)
 • રાત્રે અંધારામાં વાંચવાની ક્ષમતા ઓછી થવી
 • રંગ પારખવાની ક્ષમતામાં ફેરફાર થવો

ઉપરના બંને દ્રશ્યોમાં બીજું ચિત્ર તમારી ધૂંધળી દ્રષ્ટી બતાવે છે.

જો તમને આ પૈકીના કોઈ પણ લક્ષણો હોય તો તમારે વહેલી તકે તમારી આંખ કોઈ “આંખના ડોક્ટર-OPHTHALMOLOGIST: MD/MS/DO/DNB) ને અથવા “ઓપ્ટોમેટ્રીસ્ટ- OPTOMETRIST:OD” ને બતાવવી જોઈએ.

મોતિયાની સારવાર

મોતિયાનો એકમાત્ર ઈલાજ “કુદરતી મણિ” ને શસ્ત્રક્રિયા વડે કાઢીને તેના સ્થાને “કૄત્રિમ મણિ- IOL: Intra Ocular Lens/ Artificial Lens” બેસાડવાનું છે. આ સિવાય બીજી કોઇપણ સારવાર વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ નથી.

મોતિયાની શરૂઆત થઈ ગયા પછી કોઈપણ તબક્કે તેની શસ્ત્રક્રિયા કરી શકાય છે. જુના જમાનામાં મોતિયો પાકે ત્યાં સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ આજે આધુનીક ટેક્નોલોજી વડે શરૂઆતના તબક્કામાં પણ શસ્ત્રક્રિયા કરી શકાય છે. કોઈ પણ શસ્ત્રક્રિયામાં અમુક જોખમો તો રહેલા જ હોય છે, જેથી જ્યાં સુધી મોતિયો રોજિંદી ક્રીયામાં અવરોધરૂપ થતો નથી, ત્યાં સુધી શસ્ત્રક્રિયા માટે રાહ જોઈ શકાય છે.

જો તમને તેજસ્વી પ્રકાશની સામે જોવામાં બહુજ તકલીફ પડતી હોય, વાંચવા-લખવામાં કે બહાર જવામાં, રાત્રે વાહન ચલાવવામાં અથવા ઘરના રોજિંદા કાર્ય કરવામાં તકલીફ પડતી હોય તો તમારા માટે મોતિયાની શસ્ત્રક્રિયા કરાવવી જરૂરી છે.

શસ્ત્રક્રિયા પહેલા

મોતિયાની શસ્ત્રક્રિયા પહેલા તમારી આંખની તથા તમારા શરીરની પ્રાથમિક તપાસ કરાવવી જરૂરી છે જેને મેડીકલ ભાષામાં “પૂર્વ-શસ્ત્રક્રિયા તપાસ = PreOperative Assessment” કહેવામાં આવે છે.

આંખની તપાસઃ સામાન્ય રીતે નીચેની તપાસ કરવામાં આવે છે.

 1. આંખની દ્રષ્ટિનું માપ (Visual Acuity)
 2. આંખની લંબાઈનું માપ (Axial Length)
 3. આંખની કીકીનું માપ (Keratometry)
 4. આંખના પડદાની પ્રારંભિક તપાસ (Primary Retinal Examination)
 5. આંખનું દબાણ (IOP: Intra-Ocular Pressure)

જો તમે આ પૂર્વે આંખની કોઈપણ શસ્ત્રક્રિયા જેવીકે LASIK કે પડદાની શસ્ત્રક્રિયા કરાવેલ હોય તો તમારા ડોક્ટરને અવશ્ય જણાવો કારણકે તે આંખમાં મુકવામાં આવનાર “કૄત્રિમ મણિ- IOL: Intra Ocular Lens/ Artificial Lens” ના માપને અસર કરે છે.

શરીરની પ્રાથમિક તપાસ:

 • લોહીમાં સુગરનું પ્રમાણ (FBS and PP2BS)
 • લોહીનું દબાણ (BP: Blood Pressure)
 • HIV & HBsAg Test

સામાન્ય રીતે ઉપરની તપાસ દરેક દર્દીમાં કરવામાં આવે છે. આ ઉપરાંત જો દર્દીને કોઈ અન્ય બીમારીઓ હોય તો તે મુજબની તપાસ કરાવવી જરૂરી બને છે. જો તમને અન્ય કોઈપણ બીમારી હોય કે તમે કોઈપણ બીમારી માટેની દવાઓ લેતા હોય તો તમારે તેની જાણ તમારા ડોક્ટરને જરૂર કરવી જોઈએ.

મોતિયાની શસ્ત્રક્રિયા

 • મોતિયાની શસ્ત્રક્રિયામાં સામાન્ય રીતે ૨૦-૪૦ મિનિટનો સમય લાગે છે.
 • આ શસ્ત્રક્રિયા એ વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં થતી “દૈનિક સારવારઃ Day-Care Procedure” છે. તેમાં શસ્ત્રક્રિયા પછી થોડાજ કલાકમાં રજા આપી દેવામાં આવે છે.
 • આ શસ્ત્રક્રિયા મોટે ભાગે “સ્થાનિક બેભાનાવસ્થાઃ Local Anaesthesia” હેઠળ કરવામાં આવે છે. જેમાં આંખમાં દર્દશામક દવાના ટીપાં નાખીને (Topical Anaesthesia) અથવા આંખની આસપાસ સોય વડે દર્દશામક દવાનું આરોપણ (Block Anaesthesia) કરવામાં આવે છે. દર્દી પૂરી શસ્ત્રક્રિયામાં જાગ્રત અવસ્થામાં જ હોય છે, પરંતુ તેને દર્દ થતું નથી. જો કંઈ તકલીફ થાય તો દર્દી શસ્ત્રક્રિયામાં વચ્ચે વાતચીત કરી શકે છે.
 • શસ્ત્રક્રિયા માટે તમારી કીકીને પહોળી કરવા માટે આંખના ટીપાં નાખવામાં આવે છે. તમારા ચહેરા ઉપર એક કપડું ઓઢાડવામાં આવે છે જેથી કરીને આંખની આસપાસ શસ્ત્રક્રિયા માટે જરૂરી ચોખ્ખાઈ જળવાઈ રહે.

મોતિયો કાઢવાની પ્રક્રિયાઃ

સામાન્ય રીતે મોતિયો “ફેકો-ઈમલ્સીફીકેશનઃ Phaco-emulsification” નામની અત્યાધુનિક પધ્ધતિ વડે કાઢવામાં આવે છે. તેમા “અલ્ટ્રાસાઉન્ડઃ Ultrasound” મોજાઓના વપરાશથી તમારી આંખના મોતિયાનું વિભાજન કરીને તેને એક નાના છીદ્ર મારફતે કાઢવામાં આવે છે.

મોતિયો કાઢીને તેના સ્થાને “કૄત્રિમ મણિઃ IOL/Intra-Ocular Lens/Artificial Lens” બેસાડવામાં આવે છે. આ “કૄત્રિમ મણિ” વિવિધ પ્રકારના હોય છે જેની વિગતવાર ચર્ચા આપણે પછીથી કરીશુ.

શસ્ત્રક્રિયા પછી થોડા સમયમાં તમે ઘરે જવાની રજા આપી દેવામાં આવે છે.

બીજા દિવસે તમારી આંખની તપાસ કરવામાં આવે છે અને પછીથી અમુક જાતના ટીપાંઓ શરૂ કરવામાં આવે છે.

મોતિયાની શસ્ત્રક્રિયા પછીઃ

 • મોટાભાગના દર્દીઓને શસ્ત્રક્રિયા પછીથી જ તેમની દ્રષ્ટિમાં સુધારો જોવા મળે છે. તેમ છતાં પહેલા અઠવાડિયામાં દ્રષ્ટિ સંપૂર્ણ સારી હોય તે જરૂરી નથી. તમારે તમારા ડોક્ટરની સલાહ મુજબ ટીપાંઓ નાખવા જરૂરી છે.
 • શસ્ત્રક્રિયા પછી એક અઠવાડીયાં સુધી તમારે આંખ તથા તેની આસપાસના ચહેરા ઉપર હાથ, રૂમાલ કે કાંઈ પણ લગાડવું જોઈએ નહી. આંખમા પાણી કે પાણીની છાલક ન લગાવવી જોઈએ.
 • એક અઠવાડીયાં સુધી નહાતી વખતે આંખમાં સાબુવાળું પાણી ન જાય તે માટે ગળાથી નીચેથી નહાવું જોઈએ તથા વાળ ધોવા જોઈએ નહીં. આંખને મસળવી જોઈએ નહીં.

શસ્ત્રક્રિયા પછીની પ્રવૄતિઓઃ

 • શસ્ત્રક્રિયા પછી રોજિંદી દિનચર્યાના લગભગ તમામ કાર્યો તમે કરી શકો છો.
 • લગભગ એક મહિના સુધી તરવા (Swimming) જેવી પ્રવૄતિઓથી દૂર રહેવું જોઈએ.
 • ભારે કસરત, ભારે વજન ઊંચકવું વગેરે ન કરવું જોઈએ.

આ તમામ જાણકારી માત્ર માહીતીદર્શક છે અને તેનો તમારા રોગના નિદાન તથા સારવાર માટે સ્વ-ઉપયોગ ન કરવા વિનંતી છે. તમારી આંખની કોઈપણ તકલીફ માટે આંખના નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો. - ડો. ધવલ પટેલ (MD, AIIMS Delhi)

- compiled & published by Dr Dhaval Patel MD AIIMS


Dedicated for your Smile till your Eyes Shine

We put the smile on your face and the sparkle in your eyes..

Qualification from AIIMS

Our doctors are qualified from Prestigious AIIMS New Delhi. They are best and experts in their respective fields.

Vast Experience

Our doctors have more than 10 years of experience in their respective fields.

Best Team

Our humble and polite staff is always ready to serve you the best.

International Camps

Dr Dhaval Patel has conducted many Eye Camps in Africa and Does visit yearly for the same.