દિવાળીમાં આંખની સલામતી

ફટાકડાની ઈજા, ધુમાડો અને પ્રાથમિક સારવાર

દર વર્ષે દિવાળીમાં આંખની હોસ્પિટલોમાં ફટાકડાથી દાઝેલા, ધડાકાથી ઈજા પામેલા અને આંખમાં કણ ગયેલા ઘણા દર્દીઓ આવે છે, જેમાં બાળકો અને ફક્ત જોતા લોકો પણ હોય છે. મોટા ભાગની ઈજાઓ ટાળી શકાય છે, અને સમયસર સાચી પ્રાથમિક સારવારથી આંખ બચી શકે છે. Read in English.

ફટાકડા આંખને કેવી રીતે નુકસાન કરે છે

  • દાઝવું: તારામંડળ, અનાર કે ચકરડીથી પાંપણ, આંખની સપાટી અને કીકી (કોર્નિયા) દાઝી શકે છે.
  • ધડાકાથી ઈજા: ચહેરા પાસે ફૂટતા બોમ્બ કે રોકેટથી આંખની અંદર લોહી નીકળવું, પડદો (રેટિના) ફાટવો કે ડોળો ફાટી જવો જેવી ગંભીર ઈજા થઈ શકે.
  • કણ ઘૂસી જવો: ગરમ કણ, કાગળ કે પથ્થરના ટુકડા આંખ પર કે અંદર ખૂંપી શકે.
  • કેમિકલ ઈજા: ફટાકડાનો પાવડર આંખમાં જાય તો.
  • બળતરા અને સૂકી આંખ: દિવાળી પછીના દિવસોમાં ધુમાડા અને પ્રદૂષણથી.

પરિવાર માટે સલામતીની ટિપ્સ

  • લાયસન્સવાળી દુકાનેથી જ ફટાકડા ખરીદો અને સૂચનાઓ વાંચો; ગ્રીન ફટાકડા અને સામૂહિક આતશબાજી વધુ સલામત છે.
  • લાંબી અગરબત્તીથી, હાથ લાંબો રાખીને ફટાકડા સળગાવો; ક્યારેય ફટાકડા પર નમશો નહીં.
  • ન ફૂટેલો ફટાકડો ફરી સળગાવશો નહીં; તેના પર પાણી રેડી દો.
  • બાળકો મોટાની હાજરીમાં જ ફટાકડા ફોડે. વપરાયેલા તારામંડળ પાણીની ડોલમાં નાખો, કારણ કે તેનો તાર લાંબા સમય સુધી ગરમ રહે છે.
  • જોનારાને પણ ઈજા થાય છે: સલામત અંતર રાખો અને ક્યારેય કોઈ પર ફટાકડા ફેંકશો નહીં.
  • સુતરાઉ કપડાં પહેરો અને ફટાકડા ફોડતી વખતે ચશ્માં કે સેફ્ટી ગોગલ્સ પહેરો. કૉન્ટેક્ટ લેન્સ કાઢીને ચશ્માં પહેરો.
  • પાસે પાણીની ડોલ અને રેતી રાખો.

ધુમાડો, પ્રદૂષણ અને સૂકી આંખ

ધુમાડાથી થોડા દિવસ આંખ લાલ, ખૂંચતી અને પાણી પડતી રહી શકે. ચોખ્ખા પાણીની છાલક મારો, પ્રિઝર્વેટિવ વગરના લુબ્રિકેટિંગ ટીપાં વાપરો અને આંખ ચોળશો નહીં. લાલાશ સાથે દુખાવો, ઝાંખપ કે ચીપડા હોય તો આંખ તપાસાવો.

આંખમાં ઈજા થાય તો પ્રાથમિક સારવાર

આ કરો

  • જો આંખમાં ફક્ત પાવડર, રંગ, ધુમાડો કે ધૂળ ગઈ હોય અને આંખ કપાઈ ન હોય, તો પાંપણ ખુલ્લી રાખી 15–20 મિનિટ સુધી ચોખ્ખા વહેતા પાણીથી હળવેથી ધોઈ નાખો.
  • જો આંખ કપાઈ હોય, લોહી નીકળતું હોય, કંઈક ખૂંપી ગયું હોય અથવા આંખનો આકાર બદલાયેલો લાગે, તો આંખને કાગળના કપ કે પ્લાસ્ટિકની બોટલના કાપેલા તળિયાથી હળવેથી ઢાંકી સીધા આંખની હોસ્પિટલ પહોંચો.
  • દર્દીને બેઠેલા અને શાંત રાખો. દુખાવો ઓછો થઈ જાય તો પણ ડૉક્ટરને બતાવો.

આ ન કરો

  • આંખ ચોળશો નહીં કે દબાવશો નહીં.
  • આંખમાં ખૂંપેલી વસ્તુ જાતે કાઢવાનો પ્રયત્ન કરશો નહીં.
  • કપાયેલી કે ફાટેલી હોય તેવી આંખ ધોશો નહીં.
  • મલમ, ઘરગથ્થુ ઉપચાર, ગુલાબજળ, મધ, ઘી કે દૂધ આંખમાં નાખશો નહીં.
  • ડૉક્ટરને બતાવતા પહેલાં એસ્પિરિન કે આઇબુપ્રોફેન જેવી દુખાવાની દવા લેશો નહીં, કારણ કે તેનાથી આંખની અંદર લોહી વધુ નીકળી શકે છે.

આમાંથી કંઈ હોય તો તે જ દિવસે આંખના ડૉક્ટરને બતાવો

  • આંખ પટપટાવવા છતાં ઝાંખું દેખાય કે ઓછું દેખાય.
  • ધોયા પછી પણ દુખાવો, લાલાશ કે પાણી પડવાનું ચાલુ રહે, અથવા આંખ ખૂલે નહીં.
  • આંખ કે પાંપણ પર ઘા હોય, આંખમાં લોહી દેખાય, અથવા કંઈક ખૂંપી ગયું હોય.
  • આંખમાં કેમિકલ, ફટાકડાનો પાવડર કે ચૂનો ગયો હોય.
  • પ્રકાશથી આંખમાં દુખાવો થાય, અથવા ઝબકારા, તરતા ડાઘ (ફ્લોટર્સ) કે પડદા જેવો પડછાયો દેખાય.

વારંવાર પુછાતા પ્રશ્નો

ફટાકડો આંખમાં વાગે તો શું કરવું?

આંખ કપાઈ હોઈ શકે તો તેને ચોળશો, દબાવશો કે ધોશો નહીં. કાગળના કપથી હળવેથી ઢાંકી તરત આંખની હોસ્પિટલ જાઓ. જો ફક્ત પાવડર કે ધુમાડો ગયો હોય અને આંખ કપાઈ ન હોય, તો 15–20 મિનિટ ચોખ્ખા પાણીથી ધુઓ.

દાઝી ગયેલી આંખમાં ગુલાબજળ કે ઘી નાખી શકાય?

ના. ઘરગથ્થુ ઉપચારથી ચેપ લાગી શકે છે અને ઈજા વધુ બગડી શકે છે. આંખ કપાઈ ન હોય તો ફક્ત ચોખ્ખા પાણીથી ધુઓ અને આંખના ડૉક્ટરને બતાવો.

દિવાળી પછી આંખ લાલ અને ખંજવાળવાળી કેમ થાય છે?

ધુમાડો અને પ્રદૂષણ આંખની સપાટીને બળતરા કરે છે. ચોખ્ખું પાણી અને લુબ્રિકેટિંગ ટીપાં સામાન્ય રીતે રાહત આપે છે; દુખાવો, ચીપડા કે ઝાંખપ હોય તો ડૉક્ટરને બતાવો.

સંબંધિત: આંખની ઈજા અને ઇમરજન્સી સારવાર (English), નેત્ર-જ્ઞાન.

તહેવાર પછી આંખમાં તકલીફ છે?

સદ્ભાવ આઈ એન્ડ ડેન્ટલ ક્લિનિક, મોટેરા, અમદાવાદ. WhatsApp પર મેસેજ કરો અથવા ફોન કરો. ક્લિનિકનો સમય: સોમવારથી શનિવાર, સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8. ક્લિનિકના સમય સિવાય ગંભીર ઈજા હોય તો નજીકની આંખની હોસ્પિટલ કે ઇમરજન્સી વિભાગમાં જાઓ.

Dedicated to Your Smile, Devoted to Your Sight

Where healthy eyes and confident smiles come together.

Qualification from AIIMS

Eye care by an AIIMS-trained ophthalmologist; dental care by an MDS endodontist — both dedicated specialists in their respective fields.

Vast Experience

Dr. Dhaval Patel brings 15+ years of clinical experience since starting his ophthalmology residency at AIIMS, New Delhi in 2011.

Bilingual, Patient-Friendly Team

Our staff communicates comfortably in both Gujarati and English, so every step of your visit — from reception to aftercare instructions — is easy to follow.

International Camps

Dr Dhaval Patel has conducted many eye camps in Africa and visits yearly for the same.